Saturday, September 22, 2012

‘મારા માણસનો માણસ !’



સાવ પોતાનો જ કહી શકાય એવા ઈલેક્ટ્રીશીયનને તે દી ફોન પર કહ્યું કે, “ભાઈ, કમ્પ્યુટરના સીપીયુમાં કરંટ આવે છે. મારા કમ્પ્યુટર નીષ્ણાતને જબરો ઝટકો વાગ્યો હતો. વહેલી તકે આવીને જોઈ જાને, ભાઈ !”

મને સાવ નજીકનો જ માનીને એણે ઠંડા કલેજે કહ્યું, “કાકા, હાલમાં મોટું કામ મળ્યું છે એટલે હું તો નહીં આવી શકું, પણ મારા માણસને મોકલું છું.”

ઘણી રાહ જોવડાવીને એક દી ‘એનો માણસ’ આવીને ‘જોઈ’ ગયો. કહેતો ગયો કે, અર્થીંગ કરાવવું પડશે.”

મેં ફરી ‘મારા માણસ’ને ફોનથી આ નવી વાત કહી, તો જવાબમાં ફરી એણે એના માણસને મોકલ્યો. મેં સુચન મુજબ અર્થીંગનો ચાર્જ પુછ્યો. કહે, “જમીનમાં ઉંડો ખાડો ખોદીને તાંબાનું પતરું, મીઠું વગેરે દાટીને અર્થીંગ કરાવવવું પડે…ને ચાર્જ તો, જુઓને હું જરા પુછી જોઉં ‘મારા માણસ’ને ! ” મારા માણસના આ માણસને એના માણસે ફોનમાં શું કહ્યું તે તો મને ન સંભળાયું પણ એનો આપેલો એસ્ટીમેટ કાનના પડદાને બે વાર પડઘાતો સંભળાયોઃ “આશરે રુ. બે હજાર !”

મેં કહ્યું, “હું ‘મારા માણસ’ – ઘરવાળાં”ને પુછીને તમને બોલાવીશ.”

મારાં માણસ – ‘ઘરવાળાં’એ ચાનો કપ પછાડતાં હોય તેવા લહેકાથી મારી સામે જોઈને કશું જ ન કહ્યું તેથી મને વીજળી કંપનીનો ‘સંસ્પર્શ’ કરવાનું એકદમ જ સુઝી આવ્યું.

ફોન જોડ્યો. એમણે ફરીયાદનું કારણ પુછ્યું. મેં કહ્યું કે, ‘સીપીયુમાં કરંટ આવે છે.’ બસ વાત પુરી…એમણે માગ્યા મુજબ મેં મારું સરનામું આપ્યું. એમણે ફોનમાં જ કહ્યું કે, “કલાકેકમાં આવીએ છીએ.“

કલાકેકમાં જ તેઓશ્રીઓ આવ્યા અને દરોડો પાડતા હોય તેમ મીટરના કબાટમાં ને દીવાલો પર ને એમ ધડાધડ બધું ચૅક કરવા લાગ્યા. મને કોઈ મોટી નુકસાની થઈ જવાનો ભય સતાવીને કોઈ અસર કરી કાઢે એટલી વારમાં તો એમનો માણસ સામાન પૅક કરીને હાલતો થવા લાગ્યો. મનેય માંડ સંભળાય તેવા અવાજે પુછ્યું કે, “ભાઈ ! બહુ મોટો ફોલ્ટ છે ? હવે ક્યારે આવશો ?”

મારી સામે એની કરડાકી શૈલીથી જોઈને કહે, “કાકા, પતી ગયું ! હવે કરંટ નહીં લાગે !”

કરંટ લાગ્યો હોય તેવા ચહેરે હું મારા રુ. બે હજારને સંભારી રહું એટલી વારમાં તો પાણીય પીધાં વગર એ ‘પારકા માણસો’ ચાલી ગયા.
લેખક --- જુગલ કિશોર 

--- સ્ત્રોત INTERNET  

No comments:

Post a Comment