Thursday, September 20, 2012

લીલુછમ વિશ્વ...!!!

શ્રી અનિલ ચાવડાનાં કાવ્યોમાં વૃક્ષજગતનો જે કાંઈ આછેરો પરીચય થયો છે તેને આજે આમ વહેંચવાનો અવસર મળ્યો છે તમે પણ માણો અને ખોવાઈ જાઓ એ લીલાછમ વિશ્વ માં...!!!


વૃક્ષ વીષયક આ કાવ્યોમાં એની નજાકતોને કવીએ જુદીજુદી રીતે દર્શાવી છે. કહે છે –

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે. 

પતંગીયાના ભારથી પણ ઝુકી જતાં પાનની એ નાજુકાઈ હશે કે પછી પતંગીયાની કોમળતા અને એના રંગોથી અભીભુત થઈને પાન નમી ગયાં હશે ?! વળી એ જ પાંદડાં જેમ રંગોથી અભીભુત થઈ શકે છે તેમ પ્રકૃતીદત્ત કેટલાક ધ્વનીઓનેય ઓળખી ને સમજી શકતાં જ હશે ને ? નહીંતર પંખી ઉડી ગયાં પછી પણ એનું ધ્વનીમાધુર્ય સાચવી જાણે શી રીતે ?! કહે છે – 

ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે. 

આટઆટલી નાજુકતાને ઓળખીને પ્રગટ કરી શકાતી હોય તો પછી વરસભર એક પછી એક આવતી–જતી રહેતી વીવીધ ઋતુઓની તો વાત જ શી કરવી ? એકએકથી ચડીયાતી ઋતુઓ કેટલી મોટી અસરો વૃક્ષ પર મુકી જતી હોય છે તે વાત કવી બે જ પંક્તીઓમાં કેવી સચોટ ને સ–રસ રીતે કરે છે...જુઓ, 

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

વૃક્ષને સ્પર્શી ગયેલી ઋતુઓ કેવી જબરી અસર કરી દેતી હોય છે કે આસપાસનાં સઘળાં જીવજંતુઓ ને માનવો સહીત સૌને તેની જાણ વહેંચી દે છે – જાણે ટપાલી !! 
વૃક્ષો સાથે આપણે માનવો તો સદાય ને સતત જોડાયેલાં છીએ પણ માનવેતર જીવોને તો એમની સાથે શ્વાસોછ્વાસનો જાણે સંબંધ હોય છે. વૃક્ષો પર જ જેમનો વાસો હોય છે તે પક્ષીઓનું માહાત્મ્ય સર્જક સાવ જુદી જ ભાતથી સમજાવે છે – 

માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચીં…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું 

કવી ગુલમહોરના રંગોથી અભીભુત થઈને ‘અવાચક’ થયો હોય છે...મૌનના ગુલમહોરમાં તરબતર હતો... જાણે એક નાનકડી સમાધીનો અનુભવ કરતો હતો, તેવામાં જ કોઈ ચકલીનું ચીં એનો તપોભંગ કરી દે છે !!
જોકે ‘બાંકોરું’ કહીને કવી એક નવી બારી પણ ખોલી આપે છે : પહેલી નજરે તો ચકલી રંગમાં ભંગ પાડતી જણાય છે પણ બાંકોરું શબ્દ વડે જાણે સર્જકને તો એક નવું પરીમાણ પ્રાપ્ત થાય છે !! રંગો અને સુગંધમાં દર્શનેન્દ્રીય અને ઘ્રાણેન્દ્રીય એ બે ઈન્દ્રીયો તો રોકાઈ જ ગઈ હતી પણ ચકલીના ચીં વડે કર્ણેન્દ્રીયને પણ કામગીરી મળી જાય છે ! કવી જાગી જવાને બદલે જાણે વધુ લીન થઈ જાય છે વૃક્ષધ્યાનમાં ! (“મૌનના ગુલમહોર” દ્વારા કવી મૌનને જાણે શણગારે છે પણ એ ગુલમહોરને યાદ કરીને છેવટે તો તેઓ પ્રકૃતીના સાંનીધ્યમાં આપોઆપ પ્રગટતા મૌનને સમજાવે છે. મૌનનો ગુલમહોર કે ગુલમહોર દ્વારા પ્રગટતું મૌન ?!)
કેવળ એક ‘ચીં’ વડે વીંધાઈ જનારો આ સર્જક વનસ્પતીની આસપાસ તપાસ આદરે છે. ત્યાં ઉપસ્થીત, પછી તે મોટું વૃક્ષ હોય કે નાનકડો છોડ, કે કોમળ ને કમનીય વેલી હોય, પણ એ બધાંની આસપાસ પક્ષીઓના નીવાસની કોઈ ને કોઈ નીશાનીને શોધે છે. ક્યાંક ને ક્યાંક તો જરુર એનાં સગડ હશે જ માનીને કહે છે, 

કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ;
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે. 

પંખીનો એકાદ ટહુકો, કોઈ ખરી ગયેલું નાજુક પીંછું, અરે કોઈ પાંખનો સચવાઈ રહેલો ફફડાટ પણ વૃક્ષમાં હોય જ. ( ન હોય તે કેમ ચાલે, હોય જ.) પણ તો પછી એ કઈ જગ્યાએ સંતાયાં છે એની શોધ કરીને જે તે ભાગ્યશાળી ડાળખીને તેઓ શોધે છે !! 
પરંતુ રે, ક્યારેક તો જીવનમાં એવા તબક્કાયે આવતા હોય છે જ્યારે આ બધી કોમળકોમળ લાગણીઓને વીંધી નાખનારાં પ્રસંગો ઉભા થઈ જાય છે. પાંદડુંય ક્યારેક તો છુટું પડે જ છે; પીંછુંય ક્યારેક તો ખરે જ છે. શ્વાસ જેવા શ્વાસનું તુટી જવું–ખુટી જવું પણ જીવનનો જ એક ભાગ છે. ને એવે સમયે આ સર્જક જીવનમાં પડી જતી આ તીરાડને સાંધી ન શકાનારી વાસ્તવીકતાને દર્શાવીને એક નીરાશાનેય ઉપસાવી દે છે...આ પંક્તીઓમાં – 

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ? 

ને પછી તો વધુમાં ઉમેરીને સાવ નીરાશાની ભાષા બોલે છે : 

કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ? 

અહીં સુધી તો કવી કુંપળ સાથે, કુંપળની અસરથી કોમળ હતા. (“અત્યારે હું કૂંપળમાં છું.”) 

પૂર્ણ વૃક્ષ છે મંજિલ મારી,
અત્યારે હું કૂંપળમાં છું. 

પણ પુર્ણ વૃક્ષની મંજીલ રાખનારા કવીને નીરાશ કરી મુકનારી બાબતો એક પછી એક સામે આવીને ઝકઝોરી મુકે તો શી નવાઈ ? એક સાવ જ નવી શૈલીમાં ને સાવ નવા અભીગમથી કહે છે – 

“પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા…
પ્રભાત વત્તા પુષ્પો વત્તા મોતી જેવું ઝાકળ વત્તા… 

અહીં સુધી તો બધું બરાબર હતું પણ પછી જે બનવા લાગ્યું તેનો પડઘો તરતની જ બીજી બે પંક્તીઓમાં તીવ્ર વીરોધાભાસથી પાડે છે –

“વૃક્ષો વત્તા છેદન વત્તા બારી ને દરવાજા વત્તા,
ખુરશી વત્તા ટેબલ વત્તા શોભા વત્તા કાગળ વત્તા...” 

જ્યાં કલરવો હતા, પુષ્પોનો મઘમઘાટ હતો, મોતી જેવાં ઝાકળબુંદો હતાં ત્યાં શહેરીજીવનને કારણે ઉભી થયેલી સ્થીતીનો નર્યો વાસ્તવીક ચીતાર આગળની જ પંક્તીઓના લયમાં ને એ જ શૈલીમાં કેવી સચોટતાથી અપાયો છે !! એક માત્ર ‘છેદન’ શબ્દ દ્વારા વૃક્ષોનાં કેટકેટલાં ને કેવાંકેવાં રુપાંતરો થઈ જાય છે તેનું નીદર્શન આ કાવ્યની નવતર શૈલીમાં કરાયું છે. 
બધેથી નીરાશાને પામી ગયેલા કવીને હવે ક્યાંય, કોઈ અસર વૃક્ષોના વૈભવની કે એના ભુતકાલીન અનુભવોની થતી નથી :

ન પુષ્પ કે સુગંધની ન ડાળ કે વસંતની,
હવે તો કોઇની થતી ન સહેજ પણ અસર-બસર.

વૃક્ષોના છેદનની વાત કવીજીવને તો પોતાની જ ચામડીને ઉતરડવાની વાત જેવી હોય છે. એની વેદનાને ન સમજી શકનાર કોઈ એને ઠાલો દીલાસો આપવા જાય તોય એને સહન ન થઈ શકે. વૃક્ષો અંગે વાત કરવા માટેય એક લાયકાતની જરુર હોય છે. ગમે તે માણસ ગમે તેમ કરીને વૃક્ષોનું માહાત્મ્ય કરવા જાય તો કવી તેની કૃત્રીમતાને પારખી શકે છે –

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?

(પાંદડાની વાત કરે છે તું, પાંદડાની ?! તારો શુષ્ક ને કૃત્રીમ ચહેરો જ કહી દે છે કે, તારી એને માટેની લાયકાત જ નથી.) કહે છે, જ્યારે પણ તક મળી, જ્યારે પણ કોઈ વેલને પાન ફુટ્યાના કે ફુલ ખીલ્યાના સમાચાર આવ્યા ત્યારે મેં તો હોંશેહોંશે વધામણી મોકલી’તી...પરંતું હે માનવી ! તેં શું કર્યું ?! –

પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યા,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?

(યુગોથી ધરતીને બથ ભરીને ઉભેલાં વૃક્ષોનું તેં નીકંદન કાઢી નાખ્યું તેની વાતનો અણસારેય પણ આવવા દીધો ?! વૃક્ષોને કાપ્યાં, ત્યાં મકાનો ચણ્યાં, માનવોને વસવાટ આપ્યો ને પાછું એ જ માનવોને લોલીપોપ જેવા બગીચા કરી આપ્યા !! ને બગીચામાં પાછા બાંકડા મુક્યા – વૃક્ષોનાં થડીયાંમાંથી જ બનાવીને ! – એવા બાંકડા ઉપર બેસીને લોકો જીવનની સંધ્યાએ પાછાં ફીલસુફી ડોળશે પણ સામે ઉભેલાં વૃક્ષોને શું થતું હશે ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

શહેરી જીવનવ્યવહારોએ વૃક્ષોની જે દશા કરી છે તેનાથી વ્યથીત કવી આ બધી વ્યથાઓને શબ્દદેહ આપીને આપણને ચીંટીયો ભરે છે. આજની પર્યાવરણીય પરીસ્થીતીનો સાચો બળાપો કાઢે છે.
ને છતાં આ સર્જકજીવને વનસ્પતીનું માહાત્મ્ય હૈયે છે. એના ગુણોના તે મરમી છે. ક્ષમા એ તો વૃક્ષોનું ભુષણ છે. એનું કાઠું પણ કોઈ એવું તકલાદી નથી કે કવીનો વાચક પણ નીરાશામાં ગર્ત થઈ જાય અને નીરાશામાં જ રહે ! કવી તો જતાં જતાં બે વાત વળી પાછી એવી પણ સંભળાવતા જાય છે જે વાચકને પ્રેરણા આપે –

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે
.

તો સાથે સાથે ચંદન–વૃક્ષોની ખાસીયતો આપણને સમજાવીને કહે છે કે, વૃક્ષોનું માહાત્મ્ય જાણીને, સમજીને વૃક્ષોના ભલા માટે જે કોઈ મથશે, જે કોઈ ઘસાશે, તેઓની મહેંક આવનારા સમયમાં ચોક્કસ ફેલાવાની જ છે !!

એમણે ચંદન સમા અવસર ઘસ્યા છે,
એમની પણ જાત ચોકકસ મ્હેંકવાની.
-સ્રોત : INTERNET 

No comments:

Post a Comment