Saturday, September 15, 2012

જે ચાલે તે ઠોકર ખાય, પડી પણ જાય...!!!


ઝાલાવાડના એક વખતના પ્રખ્યાત અને લોકપ્રિય રાજકારણી સ્વ. શ્રી ત્રંબકલાલ દવે વાતને સમજાવવા માટે ટુચકા, રમૂજ, ઓઠાં વગેરેનો ઉપયોગ કરતા. એમણે કહેલો એક ટુચકો : એક વાર નાના દીકરાએ જઈને પિતાને ફરિયાદ કરી કે, મોટાનો ચોપડો તમે જોયો છે ? ચોપડામાં ચેકભૂંસનો પાર નથી. ચોખ્ખાઈ તો મુદ્દલ નથી. નામું એમ લખાતું હશે ?
બાપે દીકરાને કહ્યું : ‘હશે ભાઈ, સૌ સરખા ન હોય. તું કેવી રીતે લખે છે તારો ચોપડો મને બતાવ ને !’
નાનાએ હસીને કહ્યું : ‘મારો ચોપડો તો કોરો છે. હું એમાં કશું લખતો જ નથી.’ સ્વ. ત્રંબકભાઈ વાતને સમજાવતાં કહેતા કે, જે કામ કરે એની ટીકા થાય જ. ખરાબ કામ હોય તોય ટીકા થાય અને સારું કામ હોય તોય ટીકા થાય, પરંતુ ટીકાની બીકે કામ કરવાનું છોડી ન દેવાય.
જીવનની કરુણતા એ છે કે, મોટા ભાગના માણસો ટીકા થવાની બીકે અથવા તો નિષ્ફળ જવાની બીકે કામ કરવાનું જ છોડી દે છે. માણસ તરીકેની શક્તિ ઓછી ન હોવા છતાં પોતાની શક્તિને કામે લગાડવાની જ એ આનાકાની કરે છે. ચોપડામાં ડાઘ પડશે એ ડરથી નામું જ લખતો નથી. મોટા ભાગના માણસો ઘરેડબંધ જીવવાનું પસંદ કરે છે, પરંતુ સાહસ કરીને નવું એક ડગલું પણ ભરતાં નથી કારણ કે, બીજાને નિષ્ફળ જતાં એમણે જોયા હોય છે. નિષ્ફળ ગયેલા માણસોની હાલત એમણે જોઈ હોય છે. નિષ્ફળ ગયેલા માણસોની ટીકા સાંભળી હોય છે અને પોતે પણ ટીકા કરી હોય છે. એટલે ટીકા અને નિષ્ફળતાનો એમને ડર લાગતો હોય છે.
એક ભાઈ – આપણે તેમને કાંતિલાલ તરીકે ઓળખીશું. કાંતિલાલ ઘણી વાર કહે છે : ‘હું અને મણિલાલ એક જ ગામના. એક સાથે જ શેરીમાં રમ્યા. એક સાથે જ ભણવા બેઠા. એક સાથે જ મૅટ્રિક પાસ થયા. પછી મણિલાલ મુંબઈ ગયો અને હું દેશમાં રહ્યો. ભણવામાં તો મણિલાલ કરતાં હું ઘણો વધારે હોશિયાર હતો. કાયમ પહેલા બીજા નંબરે રહેતો હતો. પણ ભાગ્યની વાત છે ! આજે મણિલાલ કરોડપતિ છે, અને આપણે….!’ કાંતિલાલ હમણાં સિનિયર કલાર્ક તરીકે રિટાયર થયા છે. મણિલાલ મુંબઈ ગયા ત્યારે કાંતિલાલ મામલતદાર ઑફિસમાં કલાર્ક તરીકે જોડાયા હતા અને એ વખતે એ ઘણા ફુલાયા હતા. આજે એમને એમ થાય છે કે મણિલાલના બદલે, અથવા તો મણિલાલની જેમ, એ પણ મુંબઈ ગયા હોત, તો આજે કરોડપતિ હોત ! એમના મનમાં એ વાત ક્યારેય બેસતી નથી કે, માત્ર મુંબઈ જવાથી જ મણિલાલ કરોડપતિ બની ગયા નથી. અને ભણવામાં એ મણિલાલ કરતાં હોશિયાર હતા એટલે જીવનમાં પણ એ મણિલાલ કરતાં આગળ જ હોય એવું જીવનમાં બનતું નથી. તટસ્થ રીતે વિચાર કરીને માણસ ક્યારેય પોતાનું મૂલ્યાંકન કરતો નથી અને દરેક બાબતમાં એ પોતાની જાતને જ ચડિયાતી ગણે છે, પણ પોતાની જાતને ચડિયાતી બનાવી નહીં હોવાને કારણે એમણે હંમેશાં અફસોસ કરતા રહેવું પડે છે.
રમેશચંદ્ર અને હું સાથે શાળામાં પ્રાર્થના ગાતા હતા. એ વખતે અમારા સાહેબ મારા અવાજનાં વખાણ કરતા હતા. આજે રમેશચંદ્રને ગાયક તરીકે આટલી ખ્યાતિ મળી છે…. વિખ્યાત ચિત્રકાર… અને મેં, બંને જણાએ સાથે ડ્રોઈંગની ઈન્ટરમિડિયેટની પરીક્ષા આપેલી. એ વખતે મારા માર્કસ વધારે હતા….. ઉદ્યોગપતિ દેસાઈ મારે ત્યાં નોકરી કરતા હતા ! પરંતુ પછી તે છૂટા થયા અને પોતાની ફેકટરી કરી અને…. આપણા… મિનિસ્ટર મારા લંગોટિયા મિત્ર છે. એમને દાખલા હું ગણી આપતો હતો…… – આવી વ્યક્તિઓ આત્મશ્લાઘામાં રાચતી હોય છે અને પોતાને ચડિયાતી માનતી હોય છે. અને જીવનમાં જેઓ આગળ વધ્યા હોય છે એમના માટે ‘ભાગ્ય’ સિવાય બીજો કોઈ વિચાર એમના મનમાં ક્યારેય આવતો જ નથી. કોલંબસ કરતાં પોતાની જાતને તેઓ જરાય ઊતરતી માનતા નથી. પ્રામાણિકપણે તેઓ એમ માનતા હોય છે કે, પોતે જો વહાણ હંકારીને ગયા હોત તો પોતે પણ અમેરિકા ખંડ શોધી કાઢ્યો હોત ! એમની રીતે એમની વાત કદાચ ખોટી ન હોય તો પણ – સફરનું શું ? વહાણ હંકારવાનું શું ? સમુદ્રનાં તોફાનોનું શું ? એનાથી તો, માણસ ડરે છે ! અને માણસ સફર કરવાનું જ માંડી વાળે છે. અજાણી પરિસ્થિતિમાં પગ મૂકવાનું જ ટાળે છે.
એક વખત સાહસ કરનારાઓ આપણને મૂર્ખ લાગતા હતા. આપણી સ્થિતિ આપણને વધારે સલામત અને સારી લાગતી હતી. આપણે કોઈ સાહસ કરવા તૈયાર જ નહોતા અને સાહસ કરનારાઓ ઉપર આપણે હસતા હતા. આજે જ્યારે બીજા લોકો એમની પ્રશંસા કરે છે ત્યારે આપણે એમની સાથે આપણી જાતને સરખાવીએ છીએ. એમના સાહસની આપણને ત્યારે પણ કદર નહોતી અને આજે પણ નથી. એમની સફળતા પાછળ રહેલા સાહસને જોવાની કોઈ દષ્ટિ જ આપણામાં હોતી નથી. દિવસે દિવસે આપણે વધુ ને વધુ સલામતી શોધી રહ્યા છીએ, અને એમાં કશું ખોટું નથી. પરંતુ સલામતી માણસમાં રહેલી સાહસવૃત્તિને દબાવી દે છે એ વાતનો સ્વીકાર પણ કરવો રહ્યો.
આજનો મોટા ભાગનો યુવાન વર્ગ નોકરી પાછળ દોડે છે, અને હવે તો પેકેજ સિસ્ટમ આવી ગઈ છે. કેટલીક યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી ડિગ્રી પ્રાપ્ત કરે કે તરત જ કોન્ટ્રેક સિસ્ટમથી નોકરી મળી જાય છે. આમ છતાં, સરકારી નોકરીમાં આજે પણ વધારે સલામતી છે એટલે યુવાનો સરકારી નોકરી વધારે પસંદ કરે છે. પરંતુ સલામતીવાળી નોકરી ચકડોળના ઘોડા ઉપરની સવારી છે. તેમાં ખાડા-ટેકરા ક્યારેય આવતા નથી. ગતિ સરસ રીતે જળવાઈ રહે છે. પડવાનો ડર બહુ ઓછો રહે છે પરંતુ જ્યારે નોકરીનું ચક્કર પૂરું થાય ત્યારે તેને ખબર પડે છે કે, તેણે જિંદગીમાં કોઈ અંતર કાપ્યું નથી. ચકડોળના ઘોડા ઉપરથી ઊતરે ત્યારે જ તેને પોતાની ખરી સ્થિતિનું જ્ઞાન થાય છે. આનો અર્થ એવો નથી કે નોકરી કરવી ખરાબ છે અને કોઈએ નોકરી કરવી જ નહીં. આનો અર્થ એટલો જ છે કે વધુ પડતી સલામતી ખરાબ છે. એવી સલામતી માણસની શક્તિઓને ખીલવા દેતી નથી. લડાઈમાં જવાનું જ હોય ત્યારે બખ્તર પહેરવું ખરાબ નથી, બલકે જરૂરી છે પરંતુ મહત્વની વાત બખ્તર નહીં લડાઈ છે. જીવનના સંઘર્ષમાં ઊતરનાર પોતાની સલામતી માટે બખ્તર પહેરે, આર્થિક-કૌટુંબિક સલામતી અંગે વિચાર કરે તે જરૂરી વાત છે પરંતુ જો સંઘર્ષ કરવાનો જ હોય તો બખ્તરની જરૂર જ શું છે ? સલામત સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી માણસ આગળ જવા ઈચ્છતો હોય, કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો બરાબર, પણ સલામતીનું બખ્તર પહેરીને માત્ર બેસી જ રહેવા માગતો હોય તો એવું બખ્તર ખોટો બોજો ગણાય.
માણસમાં અને બીજા પ્રાણીઓમાં એક તફાવત સાહસનો છે. હજારો-લાખો વર્ષથી જે પ્રાણી જે જાતનું જીવન જીવતું હોય છે એ જ જાતનું જીવન તે જીવ્યા કરે છે. કુદરત તેને ફરજ ન પાડે તો પોતાની જીવનરીતિમાં કોઈ ફેરફાર કરતું નથી. કાગડો ઊંચે માળો બાંધે છે અને તેતર જમીન પર માળો કરે છે. હજારો વર્ષથી એમ જ ચાલ્યા કરે છે. ખિસકોલી ઝાડ ઉપર રહે છે અને ઉંદર જમીનમાં દર બનાવે છે. કુદરત ફરજ ન પાડે ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા પ્રાણીને થતી નથી પરંતુ માણસની વાત જુદી છે. તે બરફમાં રહે છે. વિષુવવૃત્તનાં જંગલોમાં પણ રહે છે. પર્વતો ઉપર રહે છે. મેદાનોમાં રહે છે. વૃક્ષ ઉપર ઘર બનાવે છે અને હોડીઓમાં પણ સંસાર વસાવે છે. માણસમાં સાહસ છે. કશુંક નવું કરવાની વૃત્તિ છે. અજાણ્યાને જાણવાનું કુતૂહલ છે. એટલે જ તે માણસ છે. વાંદરો કેરી ખાય છે, પરંતુ કેરીનું અથાણું બનાવવાની, મુરબ્બો બનાવવાની, તેનો રસ કાઢવાની કે આઈસ્ક્રીમ બનાવવાની કોશિશ તે ક્યારેય કરતો નથી. આગથી તે ડરે છે, આગનો ઉપયોગ કરવાની કલ્પના પણ તે કરતો નથી. માણસ એવી હજારો લાખો વસ્તુઓ વિચારે છે, કારણ કે તેના સાહસિક વિચારોની કોઈ સીમા નથી. માણસનું બાળક ડગલું ભરે છે અને ચાલવાની કોશિશ કરે છે ત્યારથી જ આગળ જવાની વૃત્તિ એનામાં સતત જોર કરતી જાય છે. ઘરમાંથી બહાર ફળિયામાં, ફળિયામાંથી શેરીમાં, શેરીમાંથી પાદરમાં અને પાદરમાંથી વગડામાં કે બીજી કોઈક સ્થળે, કોઈક અજાણ્યા સ્થળે અણદીઠ ભૂમિમાં પહોંચવા માટે એનું મન તલસ્યા કરે છે. અને આ તલસાટ જ્યાં સુધી એનામાં રહે ત્યાં સુધી જ તે માનવી છે. એ તલસાટ ન રહે ત્યારે માત્ર માનવ-પ્રાણી છે.
મોટી ઉંમરે ડાહ્યા ગણાતા માણસો ટીકા કે નિષ્ફળતાથી ગભરાઈને કામ કરવાનું જ ટાળે છે. પરંતુ ત્યારે તેમણે બચપણને યાદ કરવું જોઈએ કે બાળક તરીકે પહેલાં ડગલાં તેણે ભર્યા હશે ત્યારે કેટલી નિષ્ફળતાઓ મળી હશે ? કેટલી પછડાટ ખાધી હશે ? એવી પછડાટથી ગભરાઈ ગયા હોત તો તેઓ ચાલતાં કઈ રીતે શીખ્યા હોત ? જે ચાલે છે તે ક્યારેક તો ચોક્કસ પડે જ છે, પરંતુ પડી જવાની બીકે માણસ ચાલવાનું છોડી દેતો નથી. પોતાની નિષ્ફળતાઓમાંથી તે શીખે છે. બાળક જેમ જ તે ફરી ઊભો થાય છે, અને ફરી ફરીને ચાલવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એવું કરવાનું એ છોડી દે છે ત્યારે માણસ તરીકેના એના અસ્તિત્વનો અંત આવી જાય છે

No comments:

Post a Comment