Monday, December 24, 2012

પ્રિય વ્યક્તિની આંખ ભીની કર્યાનો આનંદદોડતું આવી છુપાઈ જાય છે, કોક મારામાં સમાઈ જાય છે,લાગણીનું સરનામું હું શું લખું? આંખ પણ સાલી ભરાઈ જાય છે.
 - શૈલેશ પંડયા ‘ભીનાશ’
જિંદગીની કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેય ભુલાતી નથી. થોડીક ઘટનાઓ એવી હોય છે જે યાદ આવે ત્યારે આંખોના ખૂણામાં ભીનાશ બાઝી જાય છે. આંખો ભીની હોય છતાં દિલને ટાઢક થાય એવી ઘટનાઓ જીવનની સાચી મૂડી હોય છે. જિંદગીની ઘણી ખુશી એવી હોય છે જે બયાન કરવા માટે આપણને શબ્દો જડતાં નથી,શબ્દો જડી જાય તો પણ વ્યક્ત થઈ શકાતું નથી. આવા સમયે આ શબ્દો આંખોમાં ઉભરી આવે છે. જે ક્ષણની રાહ જોતાં હોઈએ એ ક્ષણ જ્યારે સામે આવી જાય ત્યારે સમય પણ એક અલૌકિક અવતાર ધારણ કરી લેતો હોય છે. આ ક્ષણ સાક્ષાત્કારની હોય છે, આ ક્ષણ ચમત્કાર જેવી હોય છે. માણસને એવું ફિલ થાય છે કે બધું જ મળી ગયું, જિંદગીમાં હવે કોઈ અપેક્ષા નથી, એવી લાગણી જિંદગીમાં બહુ ઓછી વખત આવતી હોય છે.

તમે યાદ કરો કે તમારી જિંદગીની બેસ્ટ ક્ષણ કઈ છે? આપણે વર્સ્ટ ઘટનાને વાગોળતા રહીએ છીએ. જિંદગીને સુંદર બનાવવી હોય તો જે સારું બન્યું છે તેની યાદો જીવંત રાખો. વીતી ગયેલી જિંદગીનાં પાનાંઓમાંથી કેટલાંક પાનાં ફાડીને ફેંકી દેવા જેવાં હોય છે, એને સંઘરી ના રખાય. અગાઉના સમયમાં કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે અશુભ લખેલાં પોસ્ટકાર્ડ આવતાં. આ પોસ્ટકાર્ડ વાંચીને તરત ફાડી નાખવાની એક માન્યતા લોકોમાં હતી, આ પત્રને સાચવીને કોઈ ન રાખે. જિંદગીનાં અમુક અશુભ પાનાંઓને પણ આ જ રીતે ડિસ્ટ્રોય કરી દેવાં જોઈએ. એટલું જ જરૂરી એ પણ છે કે સારાં પાનાંને દિલમાં મઢી લઈને જીવંત રાખવાં. એક સપનું કે એક સફળતા સાકાર થયા પછી તેનું રિપિટેશન થવું જોઈએ. તમે એક વાર સફળ થાવ તો સંતોષ ન માની લેવો, કારણ કે જો તમે બીજી વાર નિષ્ફળ જશો તો લોકો એવું જ માનશે કે તમને પહેલી સફળતા ફ્લુકલી જ મળી હતી. એ તો એનાં નસીબ કે એક વાર મેળ ખાઈ ગયો એવું લોકો માનશે. પહેલી વાર સફળતા મળે ત્યારે લોકો એવું માને છે કે તે નસીબદાર છે, જ્યારે તમે સતત સફળતા મેળવો ત્યારે જ લોકો સ્વીકારે છે કે તમે ખરેખર મહેનતુ છો. પહેલી વખતે મળેલી સફળતાની ઘટનાને યાદ કરો, કેવી ખુશી થઈ હતી? લોકો અભિનંદન આપતા હતા ત્યારે છાતી કેવી ગજ ગજ ફૂલતી હતી? નક્કી કરો કે આ ઘટનાને મારે વારંવાર જીવવી છે. સાથે એ પણ યાદ રાખો કે તમારી સફળતાથી કોની આંખો ભીની થઈ ગઈ હતી? તમારી સફળતા માત્ર તમારી નથી હોતી, તમારી સફળતાનો સંતોષ બીજે ક્યાંક પણ છલકતો હોય છે. મા-બાપ, ભાઈ બહેન, દોસ્ત કે પ્રેમી જ્યારે એમ કહે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ ત્યારે તમારા સપનાની સાથે એ લોકોનું સપનું પણ પૂરું થતું હોય છે.
તમારી સફળતાનો આનંદ જ્યારે તમારી પ્રિય વ્યક્તિના ચહેરા પર ઝળકે ત્યારે એક અનુપમ દૃશ્ય ખડું થાય છે. તમે તમારી પ્રિય વ્યક્તિને ખુશ જોવા ઇચ્છો છો તો તમારી એ સફળતાને સાકાર કરો જેનું સપનું તમારી પ્રિય વ્યક્તિ તમારી માટે સેવે છે. ઘણી વખત આપણી પ્રેરણા જ આપણી પ્રિય વ્યક્તિની ઇચ્છા હોય છે. તમારા માટે કોઈએ સપનું સેવ્યું હોય તો માનજો કે તમે નસીબદાર છો, કારણ કે કોઈ વ્યક્તિ એવી ઘડીની રાહ જોતી હોય છે જ્યારે તમને જોઈને એને પોતાની જિંદગી સાર્થક લાગે.
એક વ્યક્તિની આ વાત છે. યુવાન હતા ત્યારે તેનું એક સપનું હતું કે હું પીએચડી કરીશ. ડોક્ટરેટ થવાની મહેચ્છા એણે જિંદગીભર દિલમાં સેવી હતી. પોતાના નામની આગળ ડોક્ટર લગાવીને તેણે ઘણી વખત નામ છેકી નાખ્યું હતું. પણ સતત એક ઇચ્છા સળવળતી હતી કે એક દિવસ મારા નામની આગળ ડોક્ટર લાગેલું હશે. અલબત્ત, આપણી દરેક ઇચ્છા ઘણી વખત કુદરતને મંજૂર હોતી નથી. એ માણસના સંજોગો જ એવા થયા કે એ ડોક્ટરેટનું ભણી ન શક્યા. એક અધૂરા સપનાનો વસવસો તેના દિલમાં કાયમ તરફડતો રહેતો હતો. કેટલીક વેદનાઓ એવી હોય છે કે જેને આપણે લાખ પ્રયત્નો છતાં દબાવી, મિટાવી કે ભુલાવી શકતા નથી. જેને યાદ ન કરવું હોય એ જ ભુલાતું હોતું નથી. દિલમાં સપનાની ઘણી કબરો એવી હોય છે કે જેના ઉપર ફૂલ ચડાવવા સિવાય આપણે કંઈ જ કરી શકતા નથી. એક સપના ઉપર એ માણસે ચોકડી મૂકી દીધી અને જીવવાનું ચાલુ રાખ્યું.
નોકરી હતી, ઘર હતું, પત્ની અને બે બાળકો હતાં, આમ તો સુખ કહી શકાય એવું બધું જ તેની પાસે હતું પણ અધૂરા રહી ગયેલા સપનાનું દુઃખ ક્યારેક તરવરી ઊઠતું. સંતાનોને પણ તેમણે પોતાના આ અધૂરા સપનાની વાત કરી હતી. સંવેદનશીલ દીકરી પિતાની આ વેદનાને સારી રીતે સમજી શકતી હતી. એવામાં પપ્પાનો બર્થ ડે આવ્યો . પપ્પાની બાજુમાં બેસીને તેણે પપ્પાનો હાથ પકડયો અને કહ્યું કે આજે મારે તમને બર્થ ડે ગિફ્ટ આપવી છે. પણ હું એ ગિફ્ટ આજે આપી શકું તેમ નથી, એટલે મારે તમને પ્રોમિસ આપવું છે કે હું જે ઇચ્છું છું એ ગિફ્ટ હું તમને એક દિવસ ચોક્કસ આપીશ. આટલું બોલીને તેણે પપ્પાની આંખમાં આંખ પરોવીને કહ્યું કે પપ્પા હું તમારું અધૂરું સપનું સાકાર કરીશ. હું ડોક્ટરેટ કરીશ, આઈ પ્રોમિસ યુ… પપ્પાની આંખના બંને ખૂણામાં ધીમે ધીમે ચોમાસું બેસી ગયું. ઘરની છત સામે જોઈને આંખમાં ઉભરી આવેલા આંસુ રોકવાનો પ્રયત્ન કર્યો, દીકરી આંસુ ન જોઈ જાય એટલે તેને ગળી વળગાડી લીધી, પિતાની આંખમાંથી ખરેલું ટીપું દીકરીના ખભા પર પડયું અને દીકરીએ સંકલ્પ કર્યો કે ડોક્ટરેટ ન થાઉં ત્યાં સુધી પિતાના આ આંસુની ભીનાશ હું મારામાં જીવતી રાખીશ. એ દિવસથી તેણે પિતાનું સપનું પોતાની આંખમાં આંજી લીધું. પપ્પાની ભીની આંખોનું એ દ્રશ્ય તે તેના દિલમાં રોજ સજીવન કરતી. તેને થતું કે પિતાને માત્ર ડોક્ટરેટની વાત કરી તો આવું થયું, જ્યારે હું તેના હાથમાં ડિગ્રી મૂકીશ ત્યારે એને કેવો આનંદ થશે?
વર્ષો વીતતાં ગયાં. દીકરીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. જોકે તેણે ડોક્ટરેટ થવાનું તેનું સપનું ઝાંખું થવા દીધું ન હતું. બન્યું એવું કે દીકરી માટે એક સરસ માગું આવ્યું. છોકરો પરિવાર બધું જ એકદમ યોગ્ય હતું. દીકરીએ પિતાને લગ્નની ના પાડી અને કહ્યું કે ડોક્ટરેટ થઈશ પછી જ લગ્ન કરીશ. આ વાત તેના મંગેતરને ખબર પડી. તેને તેની ભાવિ પત્ની માટે ગર્વ થયો. તેણે કહ્યું કે આપણાં લગ્ન તારા સપનાની આડે નહીં આવે. ઊલટું એમ સમજજે કે તારું સપનું હવે મારું પણ સપનું છે. દીકરીનાં લગ્ન થઈ ગયાં. ઘરની જવાબદારીમાં દીકરી થોડી ગૂંચવાઈ ગઈ, જોકે પિતાનું સપનું પૂરું કરવા તે મક્કમ હતી. આમ છતાં ઘણો સમય પસાર થઈ ગયો.
પપ્પાની તબિયત નરમ થતી જતી હતી, તેમને વારંવાર દવાખાને એડમિટ કરવા પડતા હતા. દીકરીએ એક વખત ડોક્ટર પાસે જઈને કહ્યું કે જ્યાં સુધી મારું પીએચડી પૂરું ન થાય ત્યાં સુધી પપ્પાને કંઈ થવા ન દેતા, નહીંતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. દીકરીએ થિસીસ ફાઈલ કરી. વાઇવા પણ સરસ ગયો. બરાબર એ જ સમયે પપ્પા સીરિયસ થઈ ગયા. દવાખાને એડમિટ હતા, દીકરી દરરોજ ભગવાનને પ્રાર્થના કરે કે જલદી રિઝલ્ટ મળી જાય. અંતે તેને સમાચાર મળ્યા કે તમે પાસ છો,નાઉ યુ આર ડોક્ટર. દીકરી ડિગ્રી લઈને દોડીને પિતા પાસે ગઈ. દવાખાનાના બિછાને પપ્પાનો હાથ પકડીને કહ્યું કે ડેડી, માય ગિફ્ટ… આ વખતે પપ્પા આંસુ છુપાવી ન શક્યા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. એક શબ્દ બોલી શકાય એવી સ્થિતિ ન હતી,આંખો જ્યારે બોલતી હોય છે ત્યારે વાચા હણાઈ જતી હોય છે, કારણ કે આંખોની ભાષા પાસે શબ્દો પણ વામણા થઈ જતા હોય છે. થોડા સ્વસ્થ થયા પછી પિતા બોલ્યા કે હવે મરી જાઉં તો પણ કોઈ અફસોસ નથી પણ દીકરીને ખબર હતી કે આ ખુશી જ પિતાને જિવાડી દેશે.
કોઈના સપનાને પોતાનું સપનું બનાવી લેવાનું કામ સહેલું નથી પણ જો પ્રેમ હોય તો આવું સપનું અઘરું પણ લાગતું નથી. તમારા વર્તનથી છેલ્લે તમારી વ્યક્તિની આંખો ક્યારે ભીની થઈ હતી? આપણે આપણી વ્યક્તિને રડાવવાનું જ જાણીએ છીએ પણ ક્યારેક આ રીતે પણ તેની આંખો ભીની થવા દો અને પછી જુઓ કે પ્રિય વ્યક્તિની આંખમાં બાઝેલી ભીનાશ તમને કેવી ટાઢક આપે છે.
છેલ્લો સીન :
જે માણસ પોતાની જિંદગીને અને અન્યની જિંદગીને અર્થહીન સમજે છે એ માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે.
-          આઇન્સ્ટાઇન

2 comments: