Saturday, December 8, 2012

તમારી શરતે તમે કોઈને સુખી કરી શકો નહીં


સુખી થવું સહેલું છે કે કોઈને સુખી કરવું સહેલું  છે ? સુખ એક પરિસ્થિતિ છે. સુખ વ્યક્તિગત છે. કઈ વ્યક્તિને કઈ વાતથી કે કઈ પરિસ્થિતિથી સુખ મળશે એ કહેવું અઘરું છે. બધાંનું સુખ એકસરખું હોતું નથી. સુખનું કોઈ માપ હોતું નથી. સુખ એ એક ફીલિંગ છે. ખળખળ વહેતાં ઝરણાનું દૃશ્ય કોઈને સુખમય લાગે છે તો કોઈને આ જ દૃશ્યમાં કોઈ નવીનતા કે રોમાંચ જેવું લાગતું નથી. કોઈને જંગલમાં ગમે છે તો કોઈને જંગલનો ડર લાગે છે. એટલે જ સુખની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકતી નથી.
સુખ સ્થળ, સમય અને સંજોગોની સાથે બદલાતું રહે છે. આજે જ્યાં ગમતું હોય ત્યાં આવતીકાલે ન ગમે એવું પણ બનતું હોય છે. માણસ એના જીવનમાં જે કંઈ કરે છે એનો અંતિમ હેતુ સુખ હોય છે. દરેક વ્યક્તિને સુખી થવું છે. સુખી થવા માટે માણસો દુઃખી થવા પણ તૈયાર હોય છે અને મોટા ભાગના દુઃખનું કારણ પણ સુખી થવાના પ્રયત્નો જ હોય છે. માણસ માત્ર સુખી થવા માટે જ જીવતો નથી. માણસ કોઈને સુખી કરવા માટે પણ જીવતો હોય છે.

દરેક વ્યક્તિ પાસે એવી એક અથવા થોડીક વ્યક્તિ હોય છે જેને એ સુખી કરવા ઇચ્છતો હોય છે. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે હું તો બસ એના માટે જ જીવું છું. માણસ પોતાના જીવનસાથી, સંતાનો કે પરિવાર માટે જિંદગી ન્યોચ્છાવર કરી દેતાં હોય છે. કોઈને સુખી કરવામાં જ જ્યારે સુખ મહેસૂસ થવા લાગે ત્યારે પોતાના વ્યક્તિના સુખનું મહત્ત્વ વધી જતું હોય છે. ઘણાં મા-બાપને મોઢે એવું સાંભળવા મળે છે કે બાળકો સુખી હોય તેનાથી વધુ શું જોઈએ. પોતાની વ્યક્તિના ચહેરા ઉપર ખુશી જોઈને ઘણા લોકોના દિલને કંઈક અલગ પ્રકારની ટાઢક થતી હોય છે.
માણસે હંમેશાં પોતાની વ્યક્તિને સુખી કરવી હોય છે. પોતાનાં પતિ કે પત્નીને ખુશ રાખવા હોય છે. મા-બાપની સેવા કરવી હોય છે, સંતાનોને જોવા હોય છે, છતાં પણ આપણે કેમ આપણે ઇચ્છતા હોય તેને સુખી કરી શકતાં નથી? નવાં પરણતાં યુગલો ઉપર એક સર્વે થયો હતો. દસ વર્ષ સુધી ચાલેલા આ સર્વેનાં જે પરિણામો હતાં એ બહુ વિચારતાં કરી દે એવાં હતાં. લગ્ન વખતે પતિ અને પત્નીને તેના લગ્ન અને દાંપત્યજીવનનું કારણ પૂછવામાં આવ્યું. મોટા ભાગના લોકોએ એવી વાત કરી કે મારી જિંદગીનો હેતુ મારા લાઈફ પાર્ટનરને સુખી કરવાનો છે. દરેકની આંખમાં ભવિષ્યના સુખનાં સપનાંઓ અંકાયેલાં હતાં. દર વર્ષે આ યુગલોનો અભ્યાસ કરાતો અને એ જ પ્રશ્નો પૂછવામાં આવતા. ધીરે ધીરે જવાબો બદલાતા જતા હતા. દસ વર્ષમાં તો સુખનાં કારણ અને જીવનનો મતલબ પણ બદલાતો જોવા મળ્યો. કેટલાંક યુગલો તો પાંચ વર્ષમાં જ છૂટાં પડી ગયાં. મોટા ભાગનાંની ફરિયાદ એ હતી કે મારી વ્યક્તિ જ મને સમજતી ન હોય તો બીજા પાસે શું અપેક્ષા રાખવી? ઘણાએ એમ કહ્યું કે “હું મારી જ વ્યક્તિને સમજી શકતો નથી.” બધાંના મનમાં સવાલો હતા. બધાંએ એક વાત કરી કે મારે મારા પતિ કે મારી પત્નીને દુઃખી કરવી નથી, પણ એ સુખી કેવી રીતે થાય એ જ મને સમજાતું નથી. માણસ સહન કરીને કે દુઃખી થઈને પણ પોતાની વ્યક્તિને સુખી કરવા તૈયાર થાય છે, પણ એ પ્રયાસો નિષ્ફળ જાય છે.
એનું સૌથી મોટું કારણ કયું છે? જે વાત બહાર આવી એ એવી હતી કે દરેક વ્યક્તિએ પોતાની શરતે પોતાની વ્યક્તિને સુખી કરવી હતી. તમે ક્યારેય તમારી વ્યક્તિને તમારી શરતે કે તમારી ઇચ્છાએ સુખી કરી શકો નહીં. કોઈને સુખી કરવા માટે એની શરતો સમજવી અને સ્વીકારવી પડે છે. એક યુગલની વાત છે. ઘરમાં થોડી આર્થિક તકલીફ હતી. પત્ની અને બાળકોને સુખી કરવા માટે સારું કામ મળે એ જરૂરી હતું. કામ મળ્યું પણ એ દૂરના શહેરમાં હતું. સંતાનોને બીજા શહેરમાં જવાનું મંજૂર ન હતું. એનો અભ્યાસ પણ ચાલુ હતો. આખરે એ વ્યક્તિ એકલી જ દૂરના શહેરમાં જઈને કામ કરવા લાગી. પરિવારની જરૂરિયાતો સંતોષવા માટે એ વ્યક્તિ એકલી દૂરના શહેરમાં અનેક અગવડો વેઠીને રહેતી હતી. દરરોજ એને એમ થતું કે હું આ બધી અગવડ મારા પરિવારના સુખ ખાતર સહન કરું છું. થોડાં વર્ષના અંતે જ્યારે સંતાને સુખની વાત કરી ત્યારે એ માણસ હચમચી ગયો. સંતાને કહ્યું કે તમે તમારા સુખ અને કામ ખાતર અમારાથી દૂર ગયા હતા. તમારે તમારી રીતે રહેવું હતું. પત્નીએ પણ કહ્યું કે “જીવનનાં મહત્ત્વનાં વર્ષો તો આ જુદાઈમાં જ ચાલ્યાં ગયાં. તમને કદાચ એવું લાગતું હશે કે અમે સુખી રહ્યા પણ અમે તમારા વગર સુખી હતા નહીં.” આ માણસને ત્યારે સમજાયું કે હું તો બધાંના સુખ માટે દુઃખી થતો હતો, પણ સરવાળે મેં તો બધાને દુઃખી જ કર્યા. પોતાની વ્યક્તિને તમે ક્યારેય પૂછયું છે કે હું શું કરું તો તને ગમે? મોટા ભાગે આપણે સુખની વ્યાખ્યા આપણી રીતે જ કરીને આપણા નિર્ણયો આપણી વ્યક્તિ ઉપર ઠોકી બેસાડતાં હોઈએ છીએ. સુખ માટે મોટાં મોટાં પ્લાનિંગ કરીએ છીએ, પણ સુખ ઘણી વખત નજીક અને હાથવેંતમાં જ હોય છે.
હમણાં એક મિત્રના ઘરે જવાનું થયું. એ પતિ-પત્ની રોજ રાત્રે પરવારીને બેથી ત્રણ કલાક સાથે બેસીને ટીવી જુએ. મનગમતા કાર્યક્રમો જોવાનો ક્રમ વર્ષોથી ચાલ્યો આવે. સંગીતના કાર્યક્રમો જોઈ ગીત-સંગીતની ચર્ચા કરે અને કોમેડી કાર્યક્રમો જોઈ ખડખડાટ હસે. બંનેને એકબીજામાં ખોવાયેલાં જોઈને કોઈની પણ આંખ ઠરે. બે કલાક પછી એને પૂછયું કે “તમે દરરોજ આવી રીતે સાથે બેસીને ટીવી જુઓ છો?” પતિએ હસીને કહ્યું કે, “હા, વર્ષોથી અમે આ રીતે ટીવી જોઈએ છીએ. અમારા ઘરે બીજું ટીવી નથી ને. એમ કહીને એ માણસ ખડખડાટ હસી પડયો.” એ વાત મજાકમાં કરી હતી, પણ પછી એણે જે વાત કરી એ વધુ મહત્ત્વની હતી.
તેણે કહ્યું કે “ હું બીજું ટીવી લઈ શકું એમ છું. ઘણી વખત અમારે અલગ અલગ કાર્યક્રમો જોવા હોય ત્યારે શું જોવું એ બાબતે બોલાચાલી પણ થાય છે. એક દિવસની વાત છે. મારી પત્ની એક કાર્યક્રમ જોતી હતી. મને એમાં રસ ન હતો. હું ઊભો થઈને ચાલ્યો ગયો. દસ જ મિનિટમાં મારી પત્ની મારી પાસે આવી. મારો હાથ પકડીને ઘરમાં ખેંચી ગઈ અને કહ્યું કે મારી સાથે ટીવી જોને. તું બાજુમાં ન હોય તો ટીવી જોવાની મજા જ નથી આવતી. એ પછી એ ટીવી જોવા લાગી અને ટીવીના એ પ્રોગ્રામ વિશે મારી સાથે વાતો કરવા લાગી. ત્યારે મને સમજાયું કે તેનું સુખ માત્ર ટીવી જોવામાં નથી, પણ એનું સુખ મારી સાથે ટીવી જોવામાં છે. એ દિવસથી અમે બંને સાથે ટીવી જોઈએ છીએ. અમારામાં જે ફરક આવ્યો છે એ એ જ છે કે મેં એને ગમતાં કાર્યક્રમમાં રસ લેવાનું શરૂ કર્યું અને એણે મને ગમતાં પ્રોગ્રામમાં રસ લીધો. હવે અમારા બંનેના રસનાં કારણો અને સુખનાં કારણો એક જ છે. એ પછી મેં નિર્ણય કર્યો કે હું ક્યારેય મારી જિંદગીમાં બીજું ટીવી ખરીદીશ નહીં.
કોઈને સુખી કરવાનું કામ બહુ અઘરું છે. કારણ કે આપણે આપણા વિચારો મુજબ તેને સુખી કરવા હોય છે. હકીકતે તો પોતાની વ્યક્તિને સુખી કરવા કરતાં પોતાની વ્યક્તિના સુખને સમજવાની વધુ જરૂર હોય છે. ઘણી વખત આપણી વ્યક્તિને કંઈ જ જોઈતું હોતું નથી અને આપણે તેને બધું આપવા માટે ફાંફાં મારતાં હોઈએ છીએ. એને જે જોઈતું હોય છે એ મોટા ભાગે આપણી પાસે જ હોય છે, પણ આપણને એનો અંદાજ હોતો નથી. તમારી વ્યક્તિનું સુખ તમારી આંખે નહીં પણ એની આંખે જોશો તો બહુ દૂર નહીં લાગે અને મોટા ભાગે સાવ હાથવગું જ હશે.
છેલ્લો સીન
અમે બંને દુઃખી હતાં. એક જ વસ્તુને અમે અલગ અલગ એંગલથી જોતાં હતાં. બંનેને જુદું જુદું દૃશ્ય દેખાતું હતું. હું ઊભો થઈ તેની પાસે ગયો અને દૃશ્ય એક થઈ ગયું. હવે અમે સુખી છીએ

No comments:

Post a Comment