Friday, December 28, 2012

મેનેજમેન્ટનું પંચતંત્ર


 જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો.- - - - - 

સરકસમાં વાંદરો-વાંદરી પરણી ગયાં. થોડા સમય પછી વાંદરીને સારા દિવસો જવા લાગ્યા. સરકસના પ્રાણી ડોક્ટરે વાંદરીને તપાસીને પૂછ્યું, ‘કેવું બાળક જોઇએ-છોકરો કે છોકરી?’ પ્રસૂતાએ જવાબ આપ્યો, ‘તેના પગ સાઇકલ ચલાવવા જેટલા લાંબા હોય અને માથું તોપના નાળચામાં સમાઇ શકે તેવું હોય એમ કરજો. પછી છોકરો હોય કે છોકરી તેનો કોઇ ફેર પડતો નથી.’-(કથાબોધ : કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે મહત્વનું નથી. જે કામ તેને સોંપાયું છે તે બરાબર કરે છે કે નહીં તે વાત અગત્યની છે... )


Thursday, December 27, 2012

દૂરના, નજીકના, દિલના અને દિમાગના સંબંધો


એમાં તમે છો, હું છું અને થોડા મિત્ર છે,
એથી જ જીવનકથાના પ્રસંગો સચિત્ર છે.
- બરકત વિરાણી ‘બેફામ’
માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાના લોકો સાથે લડી શકતો નથી, કારણ કે ત્યાં એને ‘જીતવું’ હોતું નથી પણ ‘જીવવું’હોય છે. આખી દુનિયા પ્રેમ કરતી હોય પણ આપણે જેને પ્રેમ કરતાં હોય એવી એક વ્યક્તિ જો આપણને નફરત કરતી હોય તો જિંદગીમાં અધૂરપ લાગે છે.
સંબંધો બહુ અટપટી ચીજ છે. કેટલાક સંબંધો દૂરના હોય છે અને કેટલાક નજીકના. કેટલાક દિલના હોય છે એટલે કેટલાક દિમાગના. કેટલાક લોહીના હોય છે અને કેટલાક પાણીના. થોડાક સંબંધો આંસુના હોય છે. હસી શકાય તેવા સંબંધો ઘણા હોય છે પણ રડી શકાય એવા સંબંધો શોધવા પડે છે. રડવા માટે જ્યારે કોઈ ખભો ન મળે ત્યારે માણસ ખૂણો શોધે છે. તમારી પાસે એવી વ્યક્તિ છે જેની પાસે તમે કોઈ સંકોચ વગર રડી શકો? આંસુ આપણું પડે અને પીગળતું કોઈ હોય ત્યારે સાચો સંબંધ જીવાતો હોય છે. કોઈ સમજવાવાળું હોય તો માણસ વેદના પણ જીવી જાય છે.
કેટલાક સંબંધો કામના હોય છે, કેટલાક ન-કામના હોય છે અને મોટા ભાગના સંબંધો માત્ર ‘નામ’ના હોય છે. માણસનું ‘નામ’ હોય તો માન આપનારા પણ કેટલાક સંબંધો હોય છે. મન વગરના નમન ગરજાઉ હોય છે. ગરિમાવાળા સંબધોનો દુકાળ છે. આપણે કેટલા બધા સુકાયેલા અને ચીમળાયેલા સંબંધો જીવતાં હોઈએ છીએ ?

Monday, December 24, 2012

પ્રિય વ્યક્તિની આંખ ભીની કર્યાનો આનંદ



દોડતું આવી છુપાઈ જાય છે, કોક મારામાં સમાઈ જાય છે,લાગણીનું સરનામું હું શું લખું? આંખ પણ સાલી ભરાઈ જાય છે.
 - શૈલેશ પંડયા ‘ભીનાશ’
જિંદગીની કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેય ભુલાતી નથી. થોડીક ઘટનાઓ એવી હોય છે જે યાદ આવે ત્યારે આંખોના ખૂણામાં ભીનાશ બાઝી જાય છે. આંખો ભીની હોય છતાં દિલને ટાઢક થાય એવી ઘટનાઓ જીવનની સાચી મૂડી હોય છે. જિંદગીની ઘણી ખુશી એવી હોય છે જે બયાન કરવા માટે આપણને શબ્દો જડતાં નથી,શબ્દો જડી જાય તો પણ વ્યક્ત થઈ શકાતું નથી. આવા સમયે આ શબ્દો આંખોમાં ઉભરી આવે છે. જે ક્ષણની રાહ જોતાં હોઈએ એ ક્ષણ જ્યારે સામે આવી જાય ત્યારે સમય પણ એક અલૌકિક અવતાર ધારણ કરી લેતો હોય છે. આ ક્ષણ સાક્ષાત્કારની હોય છે, આ ક્ષણ ચમત્કાર જેવી હોય છે. માણસને એવું ફિલ થાય છે કે બધું જ મળી ગયું, જિંદગીમાં હવે કોઈ અપેક્ષા નથી, એવી લાગણી જિંદગીમાં બહુ ઓછી વખત આવતી હોય છે.

Saturday, December 8, 2012

તમારી શરતે તમે કોઈને સુખી કરી શકો નહીં


સુખી થવું સહેલું છે કે કોઈને સુખી કરવું સહેલું  છે ? સુખ એક પરિસ્થિતિ છે. સુખ વ્યક્તિગત છે. કઈ વ્યક્તિને કઈ વાતથી કે કઈ પરિસ્થિતિથી સુખ મળશે એ કહેવું અઘરું છે. બધાંનું સુખ એકસરખું હોતું નથી. સુખનું કોઈ માપ હોતું નથી. સુખ એ એક ફીલિંગ છે. ખળખળ વહેતાં ઝરણાનું દૃશ્ય કોઈને સુખમય લાગે છે તો કોઈને આ જ દૃશ્યમાં કોઈ નવીનતા કે રોમાંચ જેવું લાગતું નથી. કોઈને જંગલમાં ગમે છે તો કોઈને જંગલનો ડર લાગે છે. એટલે જ સુખની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકતી નથી.
સુખ સ્થળ, સમય અને સંજોગોની સાથે બદલાતું રહે છે. આજે જ્યાં ગમતું હોય ત્યાં આવતીકાલે ન ગમે એવું પણ બનતું હોય છે. માણસ એના જીવનમાં જે કંઈ કરે છે એનો અંતિમ હેતુ સુખ હોય છે. દરેક વ્યક્તિને સુખી થવું છે. સુખી થવા માટે માણસો દુઃખી થવા પણ તૈયાર હોય છે અને મોટા ભાગના દુઃખનું કારણ પણ સુખી થવાના પ્રયત્નો જ હોય છે. માણસ માત્ર સુખી થવા માટે જ જીવતો નથી. માણસ કોઈને સુખી કરવા માટે પણ જીવતો હોય છે.