દેખાય હસતા રમતા જે ચહેરા જુદા જુદા, એની ઉપર છે કેટલા પહેરા જુદા જુદા,
જોજો જરા ચેતીને એને સ્વીકારજો, મળશે ફૂલોના વેશમાં કાંટા જુદા જુદા.
જોજો જરા ચેતીને એને સ્વીકારજો, મળશે ફૂલોના વેશમાં કાંટા જુદા જુદા.
- ઋષભ ત્રિવેદી
ક્યારેય જેલમાં ન ગયેલો માણસ પણ ગુનાઈત હોઈ શકે છે. કોઈનું દિલ દુભાવવાની કોઈ સજા કાયદામાં નથી. દિલ દુભાવવું એ ગુનો હોત તો કેટલા લોકો સજા ભોગવતા હોત? હિંસા માત્ર શારીરિક હોતી નથી. માનસિક હિંસા વધુ ક્રૂર અને ખતરનાક હોય છે. કોઈના હાથપગ તોડીએ તો જેલમાં જવું પડે પણ કોઈનું દિલ તોડો તો કંઈ જ થાય નહીં. આપણે ક્યારેય વિચાર્યું છે કે હું કેટલો નિર્દોષ છું ?
દરેક માણસમાં નાનો કે મોટો તાલિબાન જીવતો હોય છે, જે પોતાના કબજાના માણસોને કંટ્રોલ કરતો રહે છે. ઘણાં મા-બાપ પણ એવાં હોય છે. તારે સ્લીવલેસ ડ્રેસ નથી પહેરવાનો, ટેટુ કરાવ્યું છે તો હું તારા ટાંટિયા તોડી નાખીશ, હું કહું એ જ તારે ભણવાનું છે, છોકરો થઈને બુટ્ટી પહેરતા તને શરમ નથી આવતી? સારું શીખવાડવાના નામે સંતાનોનું બૂરું કરનારાઓની બહુમતી છે.