જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં, મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને.
-મનોજ ખંડેરિયા
માણસને જિંદગી સૌથી અઘરી ક્યારે લાગતી હોય છે? જ્યારે પોતાનું ધાર્યું ન થાય ત્યારે. જિંદગી આપણી બધી જ ગણતરીઓ ઊંધી પાડી દે છે. ક્યારેક આપણા સંબંધો જ સવાલો બનીને સામે આવી જાય છે તો ક્યારેક આપણી કરિયર સામે પ્રશ્નાર્થ મુકાઈ જાય છે. ક્યારેક પ્રેમ જ પ્રશ્નો કરવા લાગે છે તો ક્યારેક લાગણી જ જવાબો માગે છે. માણસે જવાબો શોધવા પડે છે. જિંદગીના સવાલોનો જવાબ એક નથી હોતો પણ અનેક જવાબો હોય છે. એમાંથી એવો જવાબ શોધવાનો હોય છે, જે બીજા બધા જવાબો કરતાં સરળ, સહજ અને ઓછી વેદના આપનારો હોય. આપણે કેવો જવાબ શોધીએ છીએ તેના પરથી જ આપણી આવડત, ડહાપણ, સમજદારી અને બુદ્ધિક્ષમતાનું માપ નીકળે છે.